Saiyam Shobha Yatra

Rajkot, Gujarat

25 November, 2018

રાજકોટની ધરાને પાવન કરતી ગગનને ગજાવતી ભવ્યાતિભવ્ય દીક્ષાર્થી શોભાયાત્રાએ દીક્ષા મહોત્સવના થયાં મંગલ મંડાણ

ધર્મવત્સલ શ્રી જીતુભાઈ બેનાણીના દીકરી કુમારી ધારાને જન્મ દિવસે પાંચ સંસ્થાઓના દિવ્યાંગ બાળકોને અનુદાન આપવામાં આવ્યું

શ્રી રોયલપાર્ક ઉપાશ્રયના આંગણે વિહાર વળામણાંના સંવેદનશીલ દ્રશ્યો સર્જાયા

જે બીજાનું ભલું કરી શકે એ જ ભલા માણસ હોય છે. - રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ

સત્ય ધર્મની પ્રભાવના અને પ્રભુ જ્ઞાનની પ્રસારણા કરીને ભવ્ય જીવોના પરમ આશ્રયદાતા અને પરમ તારણહારા બની રહેલાં દીક્ષાદાનેશ્વરી રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના પાવન ચરણ શરણમાં આજીવન સમર્પિત થઈને દીક્ષા અંગીકાર કરવા જઈ રહેલી રાજકોટની બે મુમુક્ષુ બાલિકાઓના સંયમ ભાવની ગગનચુંબી પ્રશસ્તિ કરતી ભવ્યાતિભવ્ય શોભાયાત્રા દ્વારા શ્રી ભાગવતી જૈન દીક્ષા મહોત્સવનો મંગલમય પ્રારંભ, સમગ્ર રાજકોટના ભાવિકોને સંયમના રંગે રંગી ગયો હતો.

શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ- સી. એમ. પૌષધશાળા, ઓમાનવાલા ઉપાશ્રયના આંગણે ગુજરાતરત્ન પૂજ્ય શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ, રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે એક સાથે 75 સંત-સતીજીઓના સમૂહ ચાતુર્માસની પૂર્ણાહૂતિએ શ્રી સંઘે અશ્રુભીની આંખે અત્યંત અહોભાવપૂર્વક વિહાર વળામણાં કરાવતાં અત્યંત સંવેદનશીલ દ્રશ્યો સર્જાયા હતાં.

આ અવસરે ભાવિકોને સંબોધિત કરતાં રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રીએ અત્યંત મધુર સ્વરે સમજાવ્યું હતું કે, સ્વને ભાવિત અને સર્વને જિન શાસનથી પ્રભાવિત કરવા ચાતુર્માસ સર્જાતું હોય છે સુંદર બોધ સાથે 75 સંત-સતીજીઓના વિહાર વળામણાં શ્રેષ્ઠિવર્ય શ્રી જીતુભાઈ બેનાણીના આંગણે થયાં હતાં. જ્યાં ગોંડલ, સંઘાણી સંપ્રદાય તેમજ શ્રમણ સંઘ સંપ્રદાયના પૂજ્ય સતીવૃંદોના પણ ચાતુર્માસ વિહાર વળામણાં થયાં હતાં.

બહોળી સંખ્યામાં પૂજ્ય સંત-સતીજીઓના વિહાર વળામણાં બાદ શ્રી બેનાણી પરિવારના આંગણેથી મુમુક્ષુ શ્રી ઉપાસનાબેન શેઠ અને મુમુક્ષુ શ્રી આરાધના બેન ડેલીવાળાના સંયમ ભાવોની અનુમોદના અને ગુણગ્રામ કરતી ભવ્યાતિભવ્ય સંયમ શોભાયાત્રા પ્રારંભ કરવામાં આવી હતી. જિનશાસનની ગૌરવ ગરિમા લહેરાવતાં ઊંચા ઊંચા ધર્મ ધ્વજ, સંયમ દિનચર્યાના સુંદર અને વિશાળ ફ્લોટ્સ, બહેનોએ મસ્તકે ધારણ કરેલાં શણગારેલાં સુંદર સ્વસ્તિકના પ્રતિક, તરણેતરની પારંપરિક વેશ ભુષામાં સજ્જ થઈને લોકનૃત્ય કરતાં ઉત્સાહી નવયુવાનો, રજવાડી રથમાં સવાર બે મુમુક્ષુઓ, પ્રભુ જ્ઞાનનું દર્શન કરાવતું આગમ રથ, લાભાર્થી પરિવારોના શણગારેલાં રથ, મંજીરા નૃત્ય કરતી રસ મંડળીઓ, મુંબઈ-મલાડના શ્રી જગવલ્લભ બેન્ડના બાળકો દ્વારા ગાજતા સૂરો, લુક એન લર્નના બાળકો, દીદીઓ અને મસ્તકે પાઘડી બાંધીને ઉપસ્થિત રહેલાં શ્રેષ્ઠિવર્યો તેમજ હજારો ઉત્સાહી ભાવિકો દ્વારા શોભતી આ શોભાયાત્રા રાજકોટના રાજમાર્ગોને ગુંજવતી, દીક્ષાર્થીઓનો જયકાર ગજાવતી શ્રી ડુંગર દરબાર પહોંચી હતી.

ધર્મવત્સલ શ્રી જીતુભાઈ બેનાણીના દીકરી કુમારી ધારા બેનાણીના 34મા જન્મદિનનો અવસર મુમુક્ષુઓના સન્માન અવસર સાથે માનવતાનો એક મહોત્સવ બની ગયો હતો. આ અવસરે પૂજ્યશ્રી વર્ષાબાઈ મહાસતીજીએ કુમારી ધારાને આશીર્વચન આપવા સાથે રાષ્ટ્રસંત પૂજ્યશ્રીના શાસન પ્રેમની પ્રશસ્તિ કરી હતી.

આ અવસરે આચાર્ય ભગવંત પૂજ્ય શ્રી પુરુષોત્તમજી મહારાજ સાહેબની પુણ્ય સ્મૃતિ નિમિત્તે એમના પ્રત્યે ઉપકારની અભિવ્યક્તિ કરતાં રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રીએ તેઓશ્રીને ભાવાંજલિ અર્પણ કરી હતી.

બેનાણી પરિવારના શ્રી અમીબેન, શ્રી અજયભાઈ શેઠ, સરગમના પ્રમુખ શ્રી ગુણવંતભાઈ ડેલાવાળા, શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ, શ્રી શ્રુતપ્રજ્ઞજી, અને પ્રયાસ સંસ્થા વતી શ્રી પૂજાબેન પટેલે આ અવસરે પોતોના ભાવોની અભિવ્યક્તિ કરી હતી.

પૂર્ણ થયેલાં ચાતુર્માસમાં દાનની વર્ષા કરીને તેમજ સેવા દ્વારા સહયોગી બનનાર દરેક ઉદારદિલ દાતા પરિવારોને શ્રીસંઘના શ્રેષ્ઠિવર્યોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ સમગ્ર અવસર નિમિત્તે ગૌતમ પ્રસાદનો લાભ શિલ્પા જ્વેલર્સના શ્રી પ્રભુદાસભાઈ પારેખ પરિવાર દ્વારા લેવામાં આવ્યો હતો.