Sanman Samaroh

Rajkot, Gujarat

1 December, 2018

દીક્ષા મહોત્સવના વાગી રહ્યાં પડઘમ રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે ગુજરાતમાં પ્રથમવાર સમગ્ર રાજકોટ શિક્ષણ જગતે મુમુક્ષુઓના કર્યા ભાવભીના સન્માન

ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા દીક્ષાર્થીઓને સન્માનવા ડુંગર દરબારમાં પધાર્યા

કરિઅરના સ્વપ્ન જોવાની વયમાં મુમુક્ષુ પોતાના કલ્યાણના સ્વપ્ન જોતાં હોય છે.
-રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ

પ્રભુના જ્ઞાન, જગતના સનાતન સત્ય અને આત્મશુધ્ધિની શિક્ષા આપીને અનેક અનેક આત્માઓ માટે પરમ કલ્યાણના પરમ શિક્ષાદાતા બની રહેલાં રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના પરમ ચરણ-શરણમાં રાજકોટની બે દીકરીઓ આજીવન સમર્પિત થઈને દીક્ષા અંગીકાર કરવા જઈ રહી છે ત્યારે તેમના સંયમ ભાવોને વધાવવા સમગ્ર રાજકોટનું શિક્ષણ જગત ઉત્સાહી બન્યું હતું.

રાજકોટની S.N.K. સ્કુલમાં અભ્યાસ કરનારા શ્રી ઉપાસનાબેન શેઠ તેમજ ધોળકિયા સ્કુલમાં અભ્યાસ કરનારા શ્રી આરાધનાબેન ડેલીવાળા જયારે સંસારના સુખ-સમૃધ્ધિ છોડીને સંયમના કઠીન માર્ગ પર પ્રયાણ કરવા જઈ રહ્યાં છે, ત્યારે તેમના સંયમભાવના સન્માન કાર્યક્રમમાં વિશેષરૂપે ગુજરાત રાજ્યના પરમ આદરણીય શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા વિશેષ ભાવો સાથે મુમુક્ષુઓને સન્માનવા માટે પધાર્યાં હતાં. એમની સાથે જ ધોળકિયા સ્કુલ, ચાણક્ય સ્કુલ, મોદી સ્કુલ, P.B.કોટક સ્કુલ, તપસ્વી સ્કુલ, રોઝરી સ્કુલ, કલ્યાણ સ્કુલ, પરિમલ સ્કુલ, ન્યુ એરા સ્કુલ, માસુમ સ્કુલ, આત્મિય સ્કુલ, જિનીયસ સ્કુલ, મહાત્મા ગાંધી સ્કુલ, ઇનોવેટીવ સ્કુલ, G.T. શેઠ સ્કુલ, તપોવન સ્કુલ આદિ સ્કુલના 5000 થી વધારે વિદ્યાર્થીઓની સાથે સ્કુલ સંચાલકશ્રીઓ તેમજ વિશાળ સંખ્યામાં શિક્ષણગણ ઉપસ્થિત રહીને ગુજરાતમાં પ્રથમવાર મુમુક્ષુઓના સન્માન અર્થે એકત્રિત થયાં હતાં.

રાજકોટના સમગ્ર શિક્ષણ જગતની ઉપસ્થિતિમાં બંને મુમુક્ષુ દીકરીઓ સ્કુલ યુનિફોર્મ અને સ્કુલબેગ સાથે લઈને પધારતાં સમગ્ર સમુદાય અત્યંત અહોભાવ અને જયકારના નાદ સાથે એમના પ્રવેશ વધામણાં કર્યા હતાં.

આ અવસરે ઉપસ્થિત સર્વને સંયમ જીવનનું મહત્વ સમજાવતો બોધ આપતાં રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રીએ અત્યંત બાળ સહજ શૈલીમાં ફરમાવ્યું હતું કે, લાઈફનું કરીઅર બનાવવાના સ્વપ્ન જોવાની વયમાં મુમુક્ષુઓ પોતાના કલ્યાણના સ્વપ્ન જોવા લાગે અને માત્ર જોતાં જ નથી પરંતુ એને સાકાર કરવા માટે જે પુરુષાર્થ કરતાં હોય છે, એના પરિણામે આવા અવસરોનું સર્જન થતું હોય છે. કદાચ કોઈ વ્યક્તિ ડૉક્ટર, એન્જીનીઅરની કરીઅર બનાવી પણ લે કે ડીગ્રી પણ પ્રાપ્ત કરી લે પરંતુ તે દરેક કરીઅર બનાવ્યાં બાદ એક લિમિટ હોય છે એક ભવ સુધીની જ તે સક્સેસ હોય છે. પરંતુ અંતે આંખ મિંચાય ત્યારે બધું જ છૂટી જતું હોય છે. મૃત્યુ આવે અને આપણી પાસેથી બધું છીનવીને લઈ જાય એના કરતાં સામે ચાલીને બધું છોડી દેવું તેનું નામ સંયમ હોય છે. સંયમનો માર્ગ ભલે કઠિન હોય પરંતુ લાઈફમાં જે શ્રેષ્ઠ બનવાનું ટાર્ગેટ નક્કી કરી લેતાં હોય એના માટે ડીફીકલ્ટ કાંઈ હોતું જ નથી.

સમગ્ર ગુજરાત એસ.એસ. સી. બોર્ડમાં છઠ્ઠા ક્રમાંકે આવનાર ટોપર્સ એવા મુમુક્ષુ શ્રી આરાધનાબેન ડેલીવાલાએ આ અવસરે શાળા, શિક્ષણગણ, ગુરુજનો તેમજ વડીલો પ્રત્યે ઉપકાર ભાવની અભિવ્યક્તિ સાથે પોતાના ભાવોની રજુઆત કરતાં કહ્યું હતું કે, પ્રાઇસલેસ એવી આ લાઈફની વેલ્યુ ન કરતાં સહુ 84 લાખ જીવયોનિમાં ભ્રમણ કરીને લાઈફને વેસ્ટ કરી રહ્યાં છે પરંતુ આ મનુષ્ય ભવ એક માત્ર એવો ભવ છે જે આપણને સદગતિ કે દુર્ગતિ પામવા માટેની ચોઈસ અને ચાન્સ આપી રહ્યું છે. અને અમે આ ચાન્સને ઝડપીને આજે સંયમ માર્ગે જઈ રહ્યાં છીએ. જે માત્ર ને માત્ર ગુરુકૃપા થકી જ શક્ય બન્યું છે આપણે સ્ટડી કદાચ ગમે પરંતુ અંતરનાં જ્ઞાનનું પ્રાગટ્ય તો માત્ર એક ગુરૂ જ કરાવી શકતાં હોય છે. એ શાળાનો ઉપકાર છે જ્યાં હું અક્ષરોની બારાખડી શીખી હવે એ સંસ્કારોની બારાખડીમાથી નિબંધ રચી શકું એવી ભાવના સાથે સંયમ પંથે જઈ રહી છું.

ધનાઢ્ય પરિવારનો ત્યાગ કરીને દીક્ષા લઈ રહેલાં મુમુક્ષુશ્રી ઉપાસનાબેન શેઠે પણ આ અવસરે શિક્ષકો, ગુરૂજનો, અને વડીલોની ઉપકાર અભિવ્યક્તિ કરવા સાથે કહ્યું હતું કે, અમે લકી છીએ કે સંયમના જન્મ ધારણ કરવાનો અને ભગવાન મહાવીર જેવી ડેસ્ટિની ડિઝાઈન કરવાનો અમને ચાન્સ મળી રહ્યો છે એ સાથેજ કોફી અને રસગુલ્લાનાં પ્રેક્ટિકલ પ્રયોગ સાથે કહ્યું હતું કે, વસ્તુ અને વ્યક્તિમાંથી મળતી ટેમ્પરરી હેપ્પીનેસને છોડીને અમે પરમનેન્ટ એવી ઈનર હેપ્પીનેસને પામવા સંયમ માર્ગે જઈ રહ્યાં છીએ. સંયમ એ ઈમોશનલી ઈન્ડિપેન્ડન્ટ રહેવાનો તેમજ પરમનેન્ટ હેપ્પીનેસ પામવાનો માર્ગ હોય છે.

સમગ્ર સમુદાય હર્ષનાદ કરી રહ્યો જ્યારે મુમુક્ષુઓ પર ગર્વ અને ગૌરવ અનુભવનારા શિક્ષણમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાના હસ્તે બંને મુમુક્ષુઓને સન્માન પત્ર અર્પણ કરીને ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું.

શ્રી ચુડાસમા સાહેબે આ અવસરે મુમુક્ષુઓ ના સંયમભાવની પ્રશસ્તિ કરતાં કહ્યું હતું કે, બગીચામાં ફૂલો અનેક હોય છે પરંતુ ભગવાનનાં ચરણમાં તો કોઈકજ ફૂલ પહોંચી શકતા હોય છે. બંને દીકરીઓ દેખાદેખીથી નહીં પરંતુ સમજણ સાથે સંયમ લઈ રહ્યા છે.

શિક્ષણમંત્રીશ્રીનુ સન્માન આ અવસરે શ્રી સમસ્ત રાજકોટ સ્થા. જૈન સંઘનાં પદાધિકારીઓ તેમજ ઉપસ્થિત દરેક શાળાના સંચાલકશ્રીઓના હસ્તે કરવામાં આવ્યું હતું.

આવતીકાલે સવારે 07.30 કલાકે શ્રી મનોજભાઈ ડેલીવાળાનાં નિવાસસ્થાનેથી શોભાયાત્રા ડુંગર દરબારમાં સંયમ લક્ષી કાર્યક્રમો સાથે આવતીકાલે સાંજે 07:30 કલાકે શ્રી રોયલપાર્ક ઉપાશ્રયમાં શ્રી ગુલાબદાન બારોટ દ્વારા લોકસાહિત્ય અને હાસ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. સર્વ ભાવિકોને આમંત્રણ છે.

આ અવસરે સંત-સતીજીઓનાં રાજકોટમાં રહેતાં સ્વજનોનું સુવર્ણમુદ્રા, નવકારમંત્ર ફ્રેમ અને શ્રીયંત્ર અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું.