Virti Vijay Shobhayatra

Rajkot, Gujarat

The 8 day magnificent Diksha Celebration commences with the Grand Virti Vijay Shobha Yatra

2 December, 2018

દીક્ષાદાનેશ્વરી રાષ્ટ્રસંત પૂજ્ય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે પ્રભુધર્મ જયકાર ગગનભેદી ગુંજરવ સાથે શ્રી ભાગવતી જૈન દીક્ષા મહોત્સવના ભવ્યાતિભવ્ય મંગલ પ્રારંભ થયાં

વૈરાગી આત્માઓના વિરક્તિભાવને વધાવતી જાજરમાન વિરતી વિજય શોભાયાત્રાએ રાજકોટના રાજમાર્ગોને ગજાવ્યાં, અઢાર આલમે કર્યા મુમુક્ષુઓના બહુમાન

શ્રી જોષી પરિવાર દ્વારા દીક્ષાર્થીઓને વિજય તિલક કરી વધાવવામાં આવ્યાં હતાં

શુકનવંતી સ્વસ્તિક વિધિએ માંગલ્યતાના મંડાણ થયાં

બે ની દીક્ષા થાય અને હજારોની ભાવ દીક્ષા થાય જન-જનના હૃદયમાં પ્રભુ મહાવીરનું સ્થાન તે અમારા જીવનનું લક્ષ્ય છે.

અંજાઈ જવા કરતાં મંજાઈ જાય ત્યારે દીક્ષાને યોગ્ય બનાય છે

સંતોના શબ્દો કદી નિરર્થક નથી બનતાં હંમેશા શાસનની સહાયથી સાર્થક બનતાં હોય છે.
- રાષ્ટ્રસંત પૂજ્ય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ

ક્ષણે ક્ષણે માંગલ્યતા અને પગલે પગલે પુણ્યનાં નિધાન સર્જીને અનેક અનેક જીવોના આત્મ શુકનનું પરમ સૌભાગ્ય બની રહેલાં પુણ્ય પુરુષ દીક્ષા દાનેશ્વરી રાષ્ટ્રસંત પૂજ્ય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના ચરણ-શરણ રાજકોટની બે પનોતી પુત્રીઓ દીક્ષા અંગીકાર કરીને આત્મશુકન કરવા પ્રયાણ કરી રહી છે ત્યારે તેમના ભાગવતી જૈન દીક્ષા મહોત્સવનો મંગલમય પ્રારંભ અત્યંત ભવ્યતાથી કરવામાં આવ્યો હતો.

રાજકોટના આંગણે મુમુક્ષુ શ્રી ઉપાસનાબેન શેઠ અને મુમુક્ષુ શ્રી આરાધનાબેન ડેલીવાલાના 8 દિવસ સુધી ચાલનારા દીક્ષા મહોત્સવનો પ્રારંભ કરતી ભવ્ય અને દિવ્ય વિરતી વિજય શોભાયાત્રા શ્રી મનોજભાઈ ડેલીવાલાના નિવાસસ્થાન કરણપરા વિસ્તારથી શ્રી અજરામર ઉપાશ્રયથી પ્રારંભ કરવામાં આવી હતી.

પ્રેરણાત્મક સૂત્રો અને મસ્તકે આત્માના પ્રતિક સાથેની કેપ પહેરીને મુમુક્ષુઓ ની જયકાર કરતાં લુક એન લર્ન ના બાળકો, સંયમ સંયમ નો નાદ ગુંજવતા લુક એન લર્નના દીદી, આજની યુવા પેઢીને મોબાઇલ, મુવી, પાર્ટી અને પીકનીકથી દૂર રહીને મુમુક્ષુઓની જેમ ભક્તિ, ધ્યાનમાં રહીને આત્મમસ્તી માણવાનો સંદેશ આપતાં સુંદર અને આકર્ષક ફ્લોટ્સ, રજવાડી રથમાં સવાર મુમુક્ષુ આત્માઓ, અષ્ટમંગલના સુંદર પ્રતિક સાથે માંગલ્ય પ્રસરાવતા બહેનો, પારંપારિક વેશભૂષામાં નૃત્ય કરતી રાસ મંડળી, મધુર સૂરો રેલાવતુ બેન્ડ, જે શાળામાં મુમુક્ષુ શ્રી આરાધના બેને પાયાના સંસ્કાર અને શિક્ષણ પ્રાપ્ત કર્યું તેવી રાજકોટની ધોળકિયા સ્કુલનું સંયમ ધર્મની પ્રેરણા આપતું અને મુમુક્ષુની જયકાર કરતાં સુંદર ફ્લોટ અને સાથે રાજકોટની અઢારે આલમ દ્વારા મુમુક્ષુઓ ના થયેલાં બહુમૂલ્ય સન્માન સાથે શ્રી સમસ્ત રાજકોટ સ્થાનકવાસી જૈન સંઘોના શ્રેષ્ઠીવર્યો, અનેક અનેક ક્ષેત્રોથી પધારેલા ગુરૂભક્તો તેમજ હજારો ભાવિકોથી શોભતી આ શોભાયાત્રા જાણે 2600 વર્ષ પહેલાં પ્રભુ મહાવીરની દીક્ષાયાત્રાની સ્મૃતિ કરાવતી ગાજતી ગુંજતી ડુંગર દરબારનાં વિશાળ શામિયાણામાં આવીને વિરામ પામી હતી.

દીક્ષા મહોત્સવના પ્રથમ દિવસના નિયુક્ત કરવામાં આવેલાં સંઘપતિ શ્રી અશોકભાઈ જોશી પરિવાર દ્વારા અષ્ટમંગલના સુવર્ણ પ્રતિક સાથે અત્યંત અહોભાવપૂર્વક ગુરુ ભગવંતના પ્રવેશ વધામણાં કર્યા બાદ શ્રી સંઘપતિશ્રીનું મસ્તકે ગૌરવવંતી પાઘડી અને શાલ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું.
સમગ્ર રાજકોટના ભાવિકોમાં એક અનેરી ઉત્કંઠા જગાવી દેનારા આ દીક્ષા મહોત્સવના પ્રારંભ રાષ્ટ્રસંત પૂજ્યશ્રીના બ્રહ્મનાદે મહા પ્રભાવક શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રની મંગલમય જપસાધના કરાવવામાં આવી હતી.

આ સાથે જ લુક એન લર્નના નાના નાના બાળકોએ મિલીટરી ડ્રેસમાં સજ્જ થઈને 'સંસાર waste, સંયમ best'ના નારાની ગુંજ સાથે આત્મયુદ્ધ પર નીકળી રહેલાં મુમુક્ષુઓનું લડાયક મિજાજમાં જોમ અને જુસ્સા સાથે સ્વાગત કરતાં સર્વત્ર હર્ષ હર્ષ છવાયો હતો.

શાસનના કોહિનૂર સમા પૂજ્ય ગુરુ ભગવંત આદિ સંતો તેમજ અનેક અનેક પૂજનીય સતીવૃંદના સાંનિધ્યમાં હૈયામાં ઉછ્ળતી ઊર્મિઓ સાથે પધારેલાં હજારો હજારો ભાવિકો અને ક્ષણ ક્ષણ સંયમ પ્રાપ્તિ માટે થનગની રહેલાં મુમુક્ષુ આત્માઓની વચ્ચે આ અવસરે દીક્ષાર્થીઓના માતા-પિતા તેમજ પૂજ્ય મહાસતીજીઓના પાવન હસ્તે સ્વસ્તિક વિધિ કરવામાં આવી હતી.

રાષ્ટ્રસંત પૂજ્યશ્રીના બ્રહ્મનાદે દિવ્ય મંત્રોચ્ચાર દ્વારા સ્વસ્તિક વિધિનો પ્રારંભ કરીને સ્વસ્તિકનાં ચાર પંખની જેમ મુમુક્ષુઓ પણ જ્ઞાન, દર્શન, ચરિત્ર અને તપના માર્ગે આગળ વધે તેવા ખૂબ આશીર્વાદ આપ્યાં હતાં. વસ્ત્ર પર સ્વસ્તિકના મંગલ આકારનું કેસરજળથી ચિત્રાંકન કરીને આ મહા મહોત્સવનું શુભ શુકન કરવામાં આવ્યું હતું.

મહોત્સવના શુકનવંતા પ્રારંભ થતાં જ સમગ્ર સમુદાય આ મંગલ્યતામાં અહોભાવથી જોડાઈ ગયો હતો.

આ અવસરે રાષ્ટ્રસંત પ્રભાવક શૈલીમાં ફરમાવ્યું હતું કે, બે આત્માઓની દીક્ષાનો આ મહોત્સવ હજારો આત્માઓ માટે ભાવદીક્ષાનું કારણ બને એવી ભાવના સાથે માત્ર જૈનોનાં હૃદયમાં જ નહીં પરંતુ જન-જનના હૃદયમાં પ્રભુ મહાવીર પૂજ્યનીય બની રહે તે અમારા જીવનનું લક્ષ્ય છે. મહોત્સવની ભવ્યતા જોઈને માત્ર અંજાઇએ નહીં પરંતુ અંતરથી મંજાઈને દીક્ષાને યોગ્ય બનીએ.

આઠ આઠ દિવસ સુધી ચાલનારા આ ભવ્યાતિભવ્ય દીક્ષા મહોત્સવમાં આત્મશુદ્ધિ અને આત્મકલ્યાણ કરાવી દેનારા અનેક અનેક આયોજન સાથે આજના પ્રથમ દિવસે જૈન દર્શનના ઐતિહાસિક પાત્ર ઈષુકાર રાજા આધારિત સુંદર અને ભાવનાત્મક નાટિકા 'એક અંતની શરૂઆત' ની બેનમૂન પ્રસ્તુતિ નિહાળીને ઉપસ્થિત વિશાળ સમુદાય સંયમ ભાવોમાં ગરકાવ બની ગયો હતો.

વિશેષમાં, આ અવસરે આટલી વિશાળ સંખ્યામાં પૂજનીય સંત - સતીજીઓની ઉપસ્થિતિમાં શાસનનાં શરણે પોતાનાં સંતાન કે સ્વજનને સમર્પિત કરનારા એવાં સંત - સતીજીઓના સ્વજનનાં સન્માનનો સમારોહ આયોજિત કરવામાં આવતાં અનેક અનેક સ્વજનોને ગોલ્ડ કોઈન, શ્રી યંત્ર તેમજ અત્યંત સુંદર એવી નમસ્કાર મંત્રની ફ્રેમ સાથે અહોભાવથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

આ અવસરે ગુરૂ પ્રાણ પરિવારનાં વિશાળ સાધ્વીવૃંદની સાથે શાસનચંદ્રિકા પૂજ્ય શ્રી હિરાબાઈ મ. પરિવાર, પૂજ્ય શ્રી સાધનાબાઈ મ. આદિ જયવિજય પરિવાર તેમજ સૌરાષ્ટ્ર સિંહણ પૂજ્ય શ્રી ઈન્દુબાઈ મ. પરિવારનાં પૂજ્ય શ્રી સોનલબાઈ મ. આદિ સાધ્વીવૃંદની સાથે સાથે રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગોંડલ, અમદાવાદ આદિ અનેક ક્ષેત્રોના ભાવિકો અને શ્રીસંઘ શ્રેષ્ઠીવર્યો આ યાદગાર અવસરે ઉપસ્થિત રહ્યાં હતાં.
આમ, ભાવ, ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક દીક્ષા મહોત્સવનાં મંગલમય પ્રારંભનો આ અવસર હજારો હૃદયમાં ત્યાગ અને સંયમના થનગનાટની અનુભૂતિ સાથે સંપન્ન થયો હતો. શ્રી અજરામર સંઘ વતી શ્રી મધુભાઈ ખંધારે દીક્ષાર્થીઓને શુભેચ્છા આપી હતી. શોભાયાત્રામાં અનન્ય સેવા આપી શોભાયાત્રાની શોભાને શાસનની શોભા બનાવવા મહેનત અને જહેમત ઉઠાવનાર શ્રી અજરામર સંઘને નવકાર મંત્રની સુંદર ફ્રેમ આપીને તેમની સેવાની અનુમોદના કરવામાં આવી હતી.